About us
શ્રી મુલુંડ કચ્છી વિશા ઑશવાળ સમાજનો ડેટાબેઝ શ્રી ભવાનજી ગાંગજી ગાલા ( ભુજપુર ) ને અર્પણ તા. ૨૩ નવેંબર ૧૯૨૮ના માતા લાછબાઇ તથા પિતા શ્રી ગાંગજી માડણ ગાલાની કુખે જન્મ લેનાર ગામ ભુજપુરના મુલુંડના ગૌરવ શ્રી ભવાનજી ગાંગજી ગાલાને કોઈ મુલુંડવાસી ઑળખતા ન હોય ઍવુ ભાગ્યે જ બને! ૧૯૪૭માં અંગ્રેજી માધ્યમમાં મેટ્રીક સુધીનો અભ્યાસ પુર્ણ કરનાર ૮૨ વરસના યુવાન શ્રી ભવાનજીભાઇ ઍક અડગ મનોબળ ધરાવતા શિસ્તબધ્ધ સૈનિકસમ વ્યક્તિત્વ ધરાવે છે. શ્રી ભવાનજીભાઇ મુલુંડમાં વસતા આશરે ૨૮૦૦ કુટુંબોના ૧૨૦૦૦થી વધારે જ્ઞાતિજનોના નામ, સરનામા, જન્મતારીખ, ટેલીફોન નંબર, પતિ-પત્નીના નામ તથા સાસરીયાના નામ-ગામની સંપૂર્ણ માહિતી ધરાવે છે તથા તેને રોજ-બ-રોજના ધોરણે સુધારતા-મઠારતા રહે છે. ૧૯૮૦ થી ૧૯૯૨ સુધી અમેરિકામાં રહેનાર શ્રી ભવાનજીભાઇ અમેરિકાથી ૧૯૯૨માં પાછા ફર્યા બાદ છેલ્લા ૧૮ વર્ષથી શ્રી મુલુંડ ક. વિ. ઓ. સમાજમાં કોઈ પણ જાતનો હોદો ન ધરાવતા હોવા છતાંય નિયમિત સમાજની ઑફીસે દરેક જ્ઞાતીજન સાથે સંપર્કમાં રહીને બધાને વ્યવહારિક માર્ગદર્શન પુરૂં પાડે છે. શ્રી ભાવનજીભાઇનું અંગત જીવન પણ સમાજ માટે ખૂબ જ પ્રેરણારૂપ છે. તેઓશ્રી દરરોજ સવારના આશરે પાંચેક વાગે કોમ્પ્યુટર ઉપર બેસી જાય છે. તેમના ત્રણ દિકરા તથા ઍક દીકરી તથા બે ભાઈઓ તથા તેમનો વિશાળ પરિવાર અમેરીકામાં સ્થાયી થયેલ છે. પરિવારના દરેક સભ્ય સાથે ઇન્ટરનેટના માધ્યમથી સંપર્કમાં રહે છે. મુલુંડ સ્વપ્નનગરી ખાતે શ્રી ભવાનજીભાઇ ઍમનાં ધર્મપત્ની તથા બાજુના જ બ્લોકમાં તેમની દીકરી-જમાઇનો છ જણાનો પરિવાર રહે છે. કુલ આઠ જણા માટે દરરોજ સવારના વિવિધ ફણગાવેલા કઠોળ તથા જુદા જુદા પ્રકારના પાંચેક જાતના સીઝન પ્રમાણેના શાકભાજી તથા ફળોનો રસ પરિવારના અન્ય સભ્યો ઉઠે ત્યાં સુધી તેઓશ્રી તૈયાર કરી રાખે છે. સવારના નાસ્તામાં ચા, કોફી, દૂધ, તળેલા નાસ્તાઑ કે અન્ય કોઈ જંક ફુડને બદલે સીઝનના તાજા શાકભાજી, ફળો તથા ફણગાવેલા કઠોળના તેઓ પ્રખર હિમાયતી છે. ઍટલુ જ નહી, પરંતુ, આ દરેક વસ્તુઓની ખરીદી પણ પોતે જાતે જ જોઈ, તપાસીને કરે છે. પોતાની તંદુરૂસ્તીને ફીટ રાખવા ગત વરસ સુધી પોતાના ઘરથી શ્રી મુલુંડ ક. વિ. ઓ. સમાજની ઓફીસ સુધી દરરોજ નિયમીત રીતે ત્રણ કિલોમીટરનું અંતર તેઓ પગે ચાલીને જ કાપતા હતા. સમાજની લાયબ્રેરી જે મૃત:પ્રાય દશામાં હતી તેને શ્રી ભવાનજીભાઇઍ સુવ્યવસ્થિત કરી. જો કે, હાલમાં અંગ્રેજી ભાષાનું ચલણ હોવાથી તે વધારે ઉપયોગમાં લેવાતી નથી. સમાજના ઍક્યુપ્રેશર વિભાગને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં તેમણે ખુબ જ રસ લીધો છે. શ્રી ક. વિ. ઓ. સેવા સમાજ, મુંબઇની સંજીવની સ્વાસ્થય યોજના અંતર્ગત મુલુંડનાં જ્ઞાતીજનોને પ્રીમીયમ ભરવામાં, પોલિસી મેળવવામાં તથા દવાઓ વખતે પણ તેઓ ખુબજ સુંદર માર્ગદર્શન પુરૂં પાડે છે. સમાજના પત્રિકા વિતરણ વિભાગને પણ અમૂલ્ય સેવા આપે છે. દર વરસે લવાજમ ભરનારાઓનો રેકોર્ડ તથા આજીવન સભ્યોની સંપુર્ણ નોંધ શ્રી ભવાનજીભાઇ કોઈ પણ જાતના સ્વાર્થ વગર સુંદર રીતે રાખી રહ્યા છે. શ્રી ભવાનજીભાઇ સ્વભાવે સ્પષ્ટ વકતા અને શિસ્તના કડક આગ્રહી છે. તો બીજીબાજુ નિખાલસ, હસમુખ અને સદાય આનંદી પણ છે. ૮૨ વરસની પાકટ વયે આપણા સમાજની મોટા ભાગની વ્યક્તિઓ જ્યારે દેરાસરમાં કે સ્થાનકમાં માળા ગણતી હોય અથવા ગામડામાં ઑટલે બેસીને ગામની પંચાત કે નિંદાકુથલીમાં વ્યસ્ત હોય છે ત્યારે ઘણાને જાણીને નવાઈ લાગશે કે આપણા સમાજને માર્ગદર્શન આપનાર મુરબ્બી સદગત શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ શેઠના આ ભત્રીજા શ્રી ભવાનજી ગાંગજી ગાલા "૧૦૧ વરસની વય સુધી તંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું?" ઍ વિષય ઉપર રીસર્ચ કરી રહ્યા છે! આજે જ્યારે સમાજ ગાઈ વગાડીને કહી રહેલ છે કે વયસ્ક વ્યક્તિ માટે જીવન મુશ્કેલ થઈ ગયું છે. વયસ્ક વ્યક્તિઓને પ્રવૃત રાખવા લાખોના ખર્ચે સામાજીક વ્યવસ્થાઓ થઈ રહી છે ત્યારે શ્રી ભવાનજીભાઇ જાણે મરક મરક થઈ કહી રહ્યા છે "અમે અનુભવી વડીલો આખા સમાજને પ્રવૃત કરી શકીયે ઍમ છીઍ". શ્રી ભવાનજીભાઇ દ્વારા માવજત થયેલ વ્યવસ્થિત રેકોર્ડ અને નોંધ થકી જ અમને આ બહુમૂલ્ય કોમ્પ્યુટરાઇઝ્ડ ડેટાબેઝ તૈયાર કરવાની પ્રેરણા મળી અને સમગ્ર સમાજમાં પ્રથમ ઍવો સમગ્ર મુલુંડ ક. વિ. ઓ. જ્ઞાતિ નો આ કોમ્પ્યુટરાઇઝ્ડ ડેટાબેઝ સમાજ સમક્ષ ગર્વપૂર્વક મૂકી શક્યા છીઍ તેમાં શ્રી ભવાનજીભાઇ ના બહુમૂલ્ય ફાળાનો સાભાર સ્વીકાર કરીઍ છીઍ અને આ ડેટાબેઝ શ્રી ભવાનજીભાઇને વિનમ્રપણે સમર્પિત કરતાં શ્રી મુલુંડ ક. વિ. ઓ. સમાજ ગૌરવની લાગણી અનુભવે છે.